Gujarat

માણાવદરના દગડના તળાવની 6.50 કરોડના ખર્ચે કાયાપલટ : પાણી સંગ્રહ શક્તિમાં 5 ગણો વધારો થશે

માણાવદર તાલુકાના દગડ ગામ નજીક આવેલા દગડ અને જાંબુડા તળાવના રિસ્ટોરેશનની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. 6.50 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલી આ મહત્વકાંક્ષી યોજના પૂર્ણ થયા બાદ તળાવની પાણી સંગ્રહ શક્તિમાં પાંચ ગણો વધારો થશે, જેનો લાભ આસપાસના અનેક ગામોને મળશે.

1980-90ના દાયકામાં નિર્મિત આ તળાવોની મૂળ સંગ્રહ ક્ષમતા અંદાજે 10 MCFT હતી. વર્ષ 2025માં થયેલા ભારે વરસાદ અને ઉપરવાસના ધસમસતા પાણીને કારણે આ તળાવોને નુકસાન પહોંચ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાને રાખી સિંચાઈ વિભાગે તાત્કાલિક સર્વે કરાવી સરકારમાં દરખાસ્ત મોકલી હતી. ત્યારબાદ 6.50 કરોડના ખર્ચે આ તળાવોના રિસ્ટોરેશન અને રિપેરિંગની કામગીરી મંજૂર કરવામાં આવી છે.

50 થી 60 MCFT સુધી થશે પાણીનો સંગ્રહ રિસ્ટોરેશન કામગીરી બાદ તળાવની ક્ષમતા 10 MCFT થી વધીને અંદાજે 50 થી 60 MCFT સુધી પહોંચશે. આ ઉપરાંત, તળાવના ચાર કાઢિયા પૈકી વરસાદમાં ધોવાઈ ગયેલ ‘વેસ્ટ વિયર-1’ ને દૂર કરી, તેને ‘વેસ્ટ વિયર-2’ સાથે મર્જ કરીને 90 મીટર લંબાઈનું નવું અને મજબૂત વેસ્ટ વિયર બનાવવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.