ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં કોંગ્રેસે ભાજપ સરકારની નીતિઓ સામે ‘જનઆક્રોશ’ કાર્યક્રમ યોજ્યો હતો. મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો અને NEET પેપર લીક જેવા મુદ્દાઓ પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નમસ્તે સર્કલ ખાતે ચક્કાજામ સર્જાતા પોલીસે દરમિયાનગીરી કરી હતી.
જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો એકઠા થયા હતા. પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરા જોટવા સહિતના નેતાઓએ પણ હાજરી આપી હતી. કાર્યકરોએ હાથમાં પ્લેકાર્ડ અને બેનરો સાથે ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ આરોપ મૂક્યો હતો કે કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓને કારણે સામાન્ય જનતા મોંઘવારીના બોજ હેઠળ દબાઈ રહી છે. યુવાનો બેરોજગારીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. NEET પેપર લીક જેવા કૌભાંડોએ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કર્યા છે.
કાર્યક્રમ બાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો રેલી સ્વરૂપે નમસ્તે સર્કલ તરફ આગળ વધ્યા હતા. ત્યાં માર્ગ રોકી ચક્કાજામ કરવાનો પ્રયાસ કરાતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજા વંશ સહિત અનેક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત પહેલાં કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.

આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશે જણાવ્યું હતું કે ભાજપ સરકાર પ્રજાના મૂળભૂત પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે વધતી મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસ સતત જનતાનો અવાજ ઉઠાવતી રહેશે અને આવનારા સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

