જૂનાગઢ શહેરમાં શિક્ષણના નામે ચાલતા વેપલા અને શાળાઓની મિલીભગતનો વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જોષીપરા ખાતેથી ઝડપાયેલી ‘ગુજરાત એજ્યુકેશન’ નામની સંસ્થા સામે તપાસ પ્રક્રિયા હજુ ચાલી રહી છે ત્યાં જ જૂનાગઢ શિક્ષણ વિભાગ પોતાની ઘોર નિંદ્રામાંથી જાગે તે પહેલાં ગાંધીનગર વડી કચેરી દ્વારા તપાસ પૂર્ણ કરીને 45 શંકાસ્પદ વિદ્યાર્થીઓની યાદી સીધી જૂનાગઢ મોકલી આપવામાં આવતા શિક્ષણ જગતમાં ભારે કંપન અનુભવાયું છે.
જસદણના આલ્ફા સંકુલથી શરૂ થયો તપાસનો દોર રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલા ‘આલ્ફા સંકુલ’માં મોટું કૌભાંડ બહાર આવ્યું હતું, જેમાં આશરે 697 જેટલા બાળકો રૂબરૂ રહીને ખાનગી સંસ્થામાં અભ્યાસ કરતા હતા પરંતુ, તેમના નામ અલગ-અલગ સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓના ચોપડે બોલતા હતા.
આ ખુલાસા બાદ ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં 2025-26 અને 2026-27 દરમિયાન એનરોલ થયેલા વિદ્યાર્થીઓની આખી યાદી તૈયાર કરવામાં આવી હતી, જેમાંથી જૂનાગઢ જિલ્લાની શાળાઓમાં નોંધાયેલા 45 વિદ્યાર્થીઓના નામ સામે આવ્યા છે.
બે વર્ષમાં 45 ડમી વિદ્યાર્થીઓ બોગસ હાજરી પર રહ્યા ગાંધીનગરથી આવેલા આંકડા મુજબ જૂનાગઢ જિલ્લામાં શૈક્ષણિક મૂલ્યોને ધૂળધાણી કરતો આ કારોબાર છેલ્લા બે વર્ષથી ધમધમી રહ્યો હતો:
- વર્ષ 2025-26: 19 શંકાસ્પદ વિદ્યાર્થીઓ
- વર્ષ 2026-27: 26 શંકાસ્પદ વિદ્યાર્થીઓ
- કુલ આંકડો: 45 વિદ્યાર્થીઓ

