ગાંધીનગર
ગાંધીનગરના ગિફ્ટ સિટી એરીયામા સતત ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. નીલાસ પેસીસ કંપની દ્વારા તેના ખાલી પ્લોટમાં મુકાયેલી ૩૦ નંગ એલઇડી કિંમત ૧,૦૨,૦૦૦ની ચોરી થઇ હતી. જ્યારે કેબલ ચોરી પણ થઇ હતી. ત્યારે ડભોડા પોલીસે બંને ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ફિરોજપુર ગામના ૩ આરોપીને ઝડપી લીધા હતા, જ્યારે એક આરોપી ફરાર થઇ ગયો હતો. મળતી માહિતી મુજબ નિસર્ગ હસમુખભાઇ ઠક્કર ગિફ્ટ સિટીમાં આવેલી નીલાસ પેસીસ કંપનીમાં માર્કેટીંગ મેનેજર તરીકે નોકરી કરે છે. કંપનીનો ગિફ્ટ સિટી વિસ્તારમા એક પ્લોટ આવેલો છે. મેનેજર આગળના દિવસે તમામ કંપનીની તમામ વસ્તુઓ હેમખેમ જાેઇને ગયા હતા, પરંતુ જ્યારે ગતરોજ સવારે નોકરી ઉપર આવ્યા હતા. તે દરમિયાન નીલાસ પેસીસ કંપનીના ખુલ્લા પ્લોટમાં મુકાયેલા જાહેરાતના બોર્ડ ઉપર લગાવાયેલી ૩૦ નંગ એલઇડી ફ્લડ લાઇટ કિંમત ૧,૦૨,૦૦૦ રાત્રિના સમયે અજાણ્યા શખ્સો ચોરી ગયા હોવાનુ સામે આવ્યુ હતુ.ડભોડા પોલીસ મથકના પીએસઆઇ એ.એ.વછેટાની આગેવાનીમાં ટીમ તપાસ કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે, ગિફ્ટ સિટીમાં થયેલી એલઇડી ફ્લોડ લાઇટના બલ્બ અને ગત ૩ ફેબ્રુઆરીના રોજ થયેલી કેબલ ચોરીના આરોપીઓ ફિરોજપુર ગામમા છે અને ચોરીનો સામાન પણ તેમના ઘરમાં રાખવામા આવ્યો છે. જેને લઇને ટીમ ફિરોજપુરમા પહોંચી હતી. જેમા આરોપી રામાજી અરજણજી ઠાકોરના ઘરમા એક કાળા કલરનો કેબલ આશરે ૮૦ મીટર કિંમત ૬૪૦૦ મળી આવ્યો હતો. જ્યારે અન્ય આરોપી ઇકબાલ મનજીતસિંહ સંધુ (રહે, વલાદ)ના ઘરેથી બીજાે ૮૦ મીટર કિંમત ૬૪૦૦નો વાયર મળી આવ્યો હતો. જ્યારે ગિફ્ટ સિટીમાંથી ચોરાયેલી ફ્લડ લાઇટ ૩૦ નંગ કિંમત ૧.૦૨ લાખ પણ તેમના ઘરેથી મળી આવી હતી. આ ઘટનાને અંજામ આપનાર આરોપીઓ આનંદ ઉર્ફૈ જાડીયો સેંધાજી ઝાલા (ઠાકોર), રામાજી ઉર્ફે બલો અરજણજી જાદવ (ઠાકોર), સંજય દિપાજી ઝાલા (તમામ રહે, ફિરોજપુર) અને ઇકબાલ મનજીત સંધુ (રહે, વલાદ)ને પોલીસે ઝડપી લીધા હતા.
