દાહોદ
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના પીપળીયા ગામે એક એક્ટીવા અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં મોટરસાઈકલના ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજતાં પોલીસે તપાસ હાથ ધરી છે. લીમખેડા તાલુકાના વીસલંગા ગામે રહેતો મહેશ મનસુખભાઈ નીનામા એક્ટીવા લઈ પીપળીયા ગામેથી પુરઝડપે પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા પ્રભાતભાઈ ગોપાળભાઈ ડામોરને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં પ્રભાતભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં અને તેમને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે નાના આંબલીયા ગામે વચલુ ફળિયામાં રહેતાં બાબુભાઈ ગોપાળભાઈ ડામોરે રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
