રાજકોટ
મોરેશિયલના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ રાજકોટ એરપોર્ટ પર પ્રથમ એરપોર્ટ પર જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ મહાનગરની સમગ્ર ટીમ દ્વારા સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ અલગ અલગ ૨૫ પોઇન્ટ ઉપર તેમના રોડ શો દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી અને ગુજરાતી ક્લચરથી તેમનું સ્વાગત કરવામાં આવશે. આ માટે ઠેર ઠેર તેમને આવકારતા હોર્ડિંગ્સ અને બેનરો પણ લગાવવામાં આવ્યા છે. એરપોર્ટથી રાજીવ ગાંધી સર્કલ સુધી અંદાજિત બે કિલોમીટરના રોડ શોનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. કુલ ૨૫ સ્ટેજ ઉપરથી વિવિધ રંગારંગ કાર્યક્રમો રજૂ કરવામાં આવી રહ્યા છે. જે પૈકી ૧૦ સ્ટેજ પરથી સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ૧૫ સ્ટેજ પરથી વિવિધ સંસ્થાઓ દ્વારા લોક સંસ્કૃતિ તથા નૃત્યના કાર્યક્રમો રજૂ કરવામાં આવી રહ્યા છે. રોડ શો દરમિયાન પ્રાચીન ગરબા, તલવાર રાસ, નાસિક ઢોલ, કથ્થક નૃત્ય, ગણેશ વંદના, સીદ્દી નૃત્ય, વંદે માતરમ, લોકનૃત્ય વગેરેની રજૂઆત વિવિધ સંસ્થાઓ તથા શાળા-કોલેજના છાત્રો દ્વારા કરવામાં આવી રહી છે. રોડ શોના વિવિધ સ્પોટ પર આત્મિય કોલેજ, મારવાડી કોલેજ, આર.કે. યુનિવર્સિટી, જીનિયસ સ્કૂલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, પી.ડી.યુ. મેડિકલ કોલેજ, અર્જુનલાલ હિરાણી કોલેજ ભગિની સેવા ફાઉન્ડેશન, ધોળકિયા સ્કૂલ તથા તાલાલા ગીરની સંસ્થાના સભ્યો દ્વારા આમંત્રિતોનું ઉષ્માસભેર અભિવાદન કરવામાં આવી રહ્યું છે. આ રોડ શો દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ મોરેશિયસના વડાપ્રધાનના કાફલાની સુરક્ષાને ધ્યાને રાખી શહેરભરની પોલીસને તૈનાત કરવામાં આવી છે. ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આજે બપોરે એક વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી એરપોર્ટ, એરપોર્ટ રેલવે ફાટકથી રેસકોર્સ રિંગ રોડ પર આવેલી જૂની એનસીસી ઓફિસ સુધીના રોડ પર સરકારી વાહનો સિવાયના અન્ય વાહનો માટે નો એન્ટ્રી અને નો પાર્કિંગ જાહેર કરવામાં આવ્યા છે. ટ્રાફિક શાખાના એસીપી મલ્હોત્રાના જણાવ્યા મુજબ, એરપોર્ટ પર આવતા-જતા મુસાફરો માટે વૈકલ્પિક રૂટ નક્કી કરાયો છે. જે મુસાફરો રેસકોર્સ રિંગ રોડ તરફ જવા માગતા હોય તે લોકો એરપોર્ટ સર્કલથી ગીતગુર્જરી-૩માંથી થઇ રૈયા રોડ, આમ્રપાલી અન્ડરબ્રિજ થઇને રેસકોર્સ રિંગ રોડ પર જઇ શકશે. જ્યારે એરપોર્ટ જવા માગતા લોકો રૈયા રોડ અન્ડરબ્રિજ થઇ હનુમાનમઢી ચોક અને ત્યાંથી એરપોર્ટ સર્કલ થઇને એરપોર્ટ પર પહોંચી શકાશે. મોરેશિયસ આશરે ૨ હજાર ચો.કિ.મી.માં આવેલ દેશ છે અને ૬૧ વર્ષની વયના પ્રવિંદ જુગનાથ ત્યાં જ જન્મેલા છે અને ૨૦૦૩થી તેઓ મિલિટન્ટ સોશ્યાલિસ્ટ પાર્ટીના લીડર છે અને જાન્યુઆરી-૨૦૧૭થી મોરેશિયસના વડાપ્રધાન છે.મોરેશિયલના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. એરપોર્ટમાં તેઓને ગાર્ડ ઓફ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બાદમાં યુવતીઓનો તલવાર રાસ નીહાળતા અભિભૂત થયા હતા. બાદમાં એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ સુધી બે કિલોમીટરનો રોડ-શો શરૂ થયો છે. જાેકે વિવિધ શૈક્ષણિક સંસ્થાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આકરો તાપ હોવા છતાં ઉમટી પડ્યા છે. તેમજ નાસિક ઢોલના નાદથી રાજકોટ ગુંજ્યું હોવાનો અનુભવ થઈ રહ્યો છે. ભાજપના નેતાઓ પણ રાજકોટ એરપોર્ટ ઉમટી પડ્યા છે. તેમજ યુવતીઓનો તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. શહેરમાં આજે ૪૩ ડિગ્રી તાપમાન હોવા છતાં આકરા તાપમાં માનવ મેદની ઉમટી પડી છે.
