રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગાંધીનગર ખાતેથી કૃષિ વૈવિધ્યકરણ યોજના વર્ષ ૨૦૨૨-૨૩નો ઇ-શુભારંભ કર્યો હતો. જે અંતર્ગત છોટાઉદેપુર ખાતે પણ કૃષિ વૈવિધ્યકરણ યોજનાના લાભાર્થીઓને કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન છોટાઉદેપુર તાલુકાના નાલેજ ગામના નારસિંગભાઇ રાઠવા જણાવે છે કે, કૃષિવૈવિધ્યકરણ યોજનાથી અમને સારો આર્થિક લાભ થયો છે.
રાજય સરકાર દ્વારા રાજયના નાગરિકોનો સર્વાંગી વિકાસ થાય એ વિવિધ યોજનાઓનું સુચારૂ અમલીકરણ કરવામાં આવે છે. અંબાજીથી ઉંમરગામની પૂર્વપટ્ટીમાં વસતા આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય એ માટે વર્ષ ૨૦૦૭માં વનબંધુ કલ્યાણ અમલમાં મુકવામાં આવી હતી. આદિવાસી સમાજના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને દસ મુદ્દાઓને આવરી લેતી વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મુકવામાં આવી હતી.
વિશિષ્ઠ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા પૂર્વપટ્ટીના વિસ્તારમાં વસતા આદિવાસી સમાજનો મુખ્ય વ્યવસાય કૃષિ અને પશુપાલન છે. વિશિષ્ઠ ભૌગોલિક પરિસ્થિતિને કારણે આ વિસ્તારમાં વસતા મોટાભાગના ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતોની વ્યાખ્યામાં આવે છે.
વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત જે ખેડૂતોને જંગલ જમીનના અધિકારો આપવામાં આવ્યા છે એવા નાના અને સીમાંત ખેડૂતો કે જેઓ બી.પી.એલમાં ૦ થી ૨૦નો સ્કોર ધરાવતા હોય, ૧ એકર સુધીની જમીન ધરાવતા હોય તેવા ખેડૂતોને હાઇબ્રિડ બિયારણ, પ્રોમ ખાતર અને ડી.એ.પી ખાતરની કીટ આપવામાં આવે છે.
આ ઉપરાંત આ યોજનાની અમલીકરણ એજન્સી જી.એસ.એફ.સી એગ્રોટેક લિમીટેડ દ્વાર બિયારણ અને ખાતર તો આપવામાં આવે જ છે સાથોસાથ વાવણી અંગે તાલીમ પણ આપવામાં આવે છે.
છોટાઉદેપુર તાલુકાના નાલેજ ગામના નારસિંગભાઇ રાઠવા પણ એવા જ એક નાના ખેડૂત છે. તેમને કૃષિવૈવિધ્યકરણ યોજના અંતર્ગત ચાર કિલો હાઇબ્રિડ મકાઇનું બિયારણ, પચાસ કિલો ડી.એ.પી ખાતર અને પચાસ કિલો પ્રોમ ખાતરની કીટ આપવામાં આવી હતી. લગભગ રૂા.૩૦૦૦ થી રૂા.૪૦૦૦ની કીટ માટે લાભાર્થીએ માત્ર રૂા. ૨૫૦નો ફાળો આ યોજનામાં ભરવાનો રહે છે.
માહિતી ખાતાની ટીમ સાથે વાત કરતા નારસિંગભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, પહેલા અમે દેશી બિયારણનું વાવેતર કરતા હતા જેનું ઉત્પાદન સિમિત થતું હતું. આદિજાતિ વિભાગની વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત કૃષિવૈવિધ્યકરણ યોજના થકી અમને સારી ગુણવત્તાનું સર્ટિફાઇડ બિયારણ, ડી.એ.પી. ખાતર અને પ્રોમ ખાતર આપવામાં આવે છે. જેના વાવેતર થકી અમને સારૂં ઉત્પાદન મળે છે. અને અમને સારી આવક થતાં સારો આર્થિક લાભ પણ મળે છે એમ તેમણે જણાવ્યું હતું.
વાતનો દોર આગળ ધપાવતા તેમણે જણાવ્યું હતું કે, મારી જેમ આપણા છોટાઉદેપુર તાલુકા અને જિલ્લાના ઘણા ખેડૂતોને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે જેનાથી તમામ લાભાર્થીઓને સારો આર્થિક લાભ મળે છે એમ કહી તેમણે રાજયના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલનો પણ આભાર વ્યકત કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


