ગિરગઢડા
ભરત ગંગદેવ.
વંદે ગુજરાત અંતર્ગત સખી મેળા અને વંદે ગુજરાત પ્રદર્શનથી ગુજરાત સરકાર રાજ્યનાં સખી મંડળને એક વિશાળ પ્લેટફોર્મ પૂરૂં પાડી રહી છે. જેના કારણે અનેક ગ્રાહકો સખીમંડળના વિવિધ ઉત્પાદનથી પરિચિત થાય છે. ગીર સોમનાથમાં પણ સખીમેળો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. યાત્રાધામ સોમનાથમાં આવતા યાત્રાળુઓ પણ આ સખીમેળાની મુલાકાત લઈ બહેનોની હાથબનાવટની તેમજ ગૃહ ઉદ્યોગ વસ્તુઓની ઉત્સાહભેર ખરીદી કરી રહ્યાં છે.
છેલ્લા ત્રણ દિવસની અંદર ૨૨ હજાર કરતા વધારે મુલાકાતીઓએ સખીમેળાની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે મટિરિયલ ડ્રેસ, વાંસની બનાવટની વસ્તુઓ, ઘરની સજાવટની વસ્તુઓ, આયુર્વેદિક ઔષધિઓ, પ્લાસ્ટિક ડેકોરેશન, કાપડ તેમજ રેક્ઝીન બેગ, ઈમિટેશન જ્વેલરી, કોસ્મેટિક, હસ્તકલાની વસ્તુઓ તેમજ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા તૈયાર થયેલ કઠોળ, ગોળ તેમજ અનાજ સહિત ૩,૧૫,૦૦૦ કરતાં વધારે કિંમતની વિવિધ ચીજવસ્તુઓની ખરીદી પણ કરી હતી.
નોંધનીય છે કે, ગ્રામ્ય અને શહેરી સ્તરે સ્વસહાય જૂથોનાં માધ્યમથી આર્થિક ઉપાર્જનની પ્રવૃતિઓમાં સામેલ મહિલાઓને તેમનાં ઉત્પાદનોનાં વેચાણ માટે પ્લેટફોર્મ મળે તે માટે સરકાર દ્વારા સતત આયોજન કરવામાં આવે છે. જેથી આ મેળાઓનાં માધ્યમથી ઘણા સ્વસહાય જૂથોને વિશાળ જનસમુદાય સમક્ષ પોતાનાં ઉત્પાદનો પ્રદર્શિત કરવાની તક મળે છે.
Attachments area

