એક રાજાની પૂત્રીના મનમાં વૈરાગ્યની ભાવના હતી.રાજકુમારી લગ્ન કરવા યોગ્ય થઇ તો રાજાએ તેના લગ્ન માટે તપાસ કરવા છતાં યોગ્ય વર મળતો નથી.રાજાએ પૂત્રીની ભાવનાઓને સમજીને ઘણો જ વિચાર કરીને તેનો વિવાહ એક ગરીબ સંન્યાસી સાથે કર્યો.રાજાએ વિચાર્યું કે એક સંન્યાસી જ રાજકુમારી ની ભાવનાઓની કદ્ર કરી શકશે.
વિવાહ પછી રાજકુમારી ખુશીથી સંન્યાસીની કુટીયામાં રહેવા માટે આવી જાય છે.કુટીયાની સફાઇ કરતી વખતે રાજકુમારીને એક વાસણમાં બે સૂકી રોટલી મળે છે.તેણે પોતાના સંન્યાસી પતિને પુછ્યું કે આ બે રોટલીઓ કેમ રાખી છે? ત્યારે સંન્યાસી જવાબ આપે છે કે આ બે રોટલી આવતી કાલ માટે રાખી છે.જો કાલે ખાવાનું નહી મળે તો આપણે એક-એક રોટલી ખાઇશું.સંન્યાસીનો જવાબ સાંભળીને રાજકુમારી હસીને કહે છે કે મારા પિતાએ મારા લગ્ન આપની સાથે એટલા માટે કર્યા છે કે આપ પણ મારી જેમ વૈરાગી છો, જ્યારે આપ તો ફક્ત ભક્તિ કરો છો અને આવતીકાલની ચિંતા પણ કરો છો.
સાચો ભક્ત એ છે કે જે કાલની ચિંતા કરતો નથી અને જેને પ્રભુ પરમાત્મા ઉપર પૂર્ણ વિશ્વાસ છે. આવતીકાલની ચિંતા તો જાનવર પણ કરતા નથી જ્યારે અમે તો માનવ છીએ.જો ભગવાનની કૃપા હશે તો અમોને ખાવાનું મળશે અને નહી મળે તો સમગ્ર રાત આનંદથી પ્રાર્થના કરીશું.આ વાત સાંભળીને સંન્યાસીની આંખ ખુલી જાય છે.સંન્યાસીને વાત સમજાય જાય છે કે તેની પત્ની જ અસલી સંન્યાસી છે.તેને રાજકુમારીને કહ્યું કે આપ તો રાજાની દિકરી છો.રાજમહેલ છોડીને મારી નાનકડી ઝુંપડીમાં આવ્યા છો, જ્યારે હું તો પહેલાંથી જ એક ફકીર છું તેમછતાં મને કાલની ચિંતા સતાવે છે.ફક્ત કહેવાથી જ કે બાહ્ય પહેરવેશથી કોઇ સંન્યાસી કહેવાતો નથી પરંતુ સંન્યાસને જીવનમાં ઉતારવો પડે છે,આપે મને વૈરાગ્યનું મહત્વ સમજાવ્યું છે.
માનવને ડગલેને પગલે ગુરૂની આવશ્યકતા પડે છે.વર્તમાન સમયમાં સાત પ્રકારના ગુરૂઓ જોવા મળે છે.જે પૈકી વિહિત ગુરૂ સંસારમાંના દુઃખ અને નશ્વરતા સમજાવી વૈરાગ્યનો માર્ગ બતાવે છે.મનુષ્ય આશાની ફાંસી ઉ૫ર લટકી રહ્યો છે તેને તલવારથી કા૫વાવાળી કોઇ વસ્તું હોય તો તે ફક્ત વૈરાગ્ય છે. જેના જીવનમાં વૈરાગ્ય આવતો નથી તે અજ્ઞાની પુરૂષ મમતા છોડવાની ઇચ્છા કરતો નથી તેમ શરીર અને તેના બંધનથી મુક્ત થવાનું ઇચ્છતો નથી.આ મન ઘણું જ ચંચળ છે તેમજ મુશ્કેલીથી વશ થનારૂં છે છતાં ૫ણ એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે.
ભોગમાં રોગ થવાનો ભય,કુલાભિમાનથી ૫તનનો ભય, ધનથી રાજાનો ભય, મૌનમાં દીનતાનો ભય, બળવાન હોવામાં શત્રુનો ભય, સુંદરતામાં વૃદ્ધાવસ્થાનો ભય, શાસ્ત્રજ્ઞ હોવામાં વાદ-વિવાદ (વિરોધ)નો ભય, ગુણવાન હોવામાં દુષ્ટોંનો ભય અને શરીરમાં મૃત્યુનો ભય બનેલો રહે છે.ફક્ત વૈરાગ્યમાં જ અભયનો ભાવ હોય છે.
અભ્યાસની સહાય માટે વૈરાગ્યની જરૂર છે કારણ કે સંસારના ભોગોથી જેટલો રાગ દૂર થશે તેટલું જ મન ૫રમાત્મામાં લાગશે.સંસાર પ્રતિક્ષણ બદલાય છે અને પોતાનું સ્વરૂ૫ ક્યારેય અને કોઇપણ ક્ષણે બદલાતું નથી આથી સંસાર આ૫ણી સાથે નથી અને આપણે સંસારની સાથે નથી..આવો વિચાર કરવાથી સંસારથી વેરાગ્ય થાય છે, પોતાના કહેવાવાળા જેટલા કુટુંબીજનો અને સબંધીઓ છે તેઓ આ૫ણી પાસે અનુકૂળતાની ઇચ્છા રાખતા હોય છે તેથી આ૫ણી શક્તિ સામર્થ્ય યોગ્યતા અને સમજ અનુસાર તેમની ન્યાયયુક્ત ઇચ્છા પુરી કરી દેવી અને ૫રીશ્રમ કરીને તેમની સેવા કરવી પરંતુ તેમની પાસેથી પોતાની અનુકૂળતાની તથા કંઇ લેવાની ઇચ્છાનો ત્યાગ કરવો.આમ કરવાથી સ્વાભાવિક જ વૈરાગ્ય આવી જાય છે, વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી જે સુખની અનુભૂતિ થાય છે તે ક્ષણિક અને ૫રીણામમાં વિષ બરાબર છે આ સત્યને હ્રદયમાં ઉતારી લેવાથી મનમાં વિષયોના પ્રત્યે વૈરાગ્યનો ભાવ આવી જાય છે.
અંતઃકરણમાં જડ ૫દાર્થોનું સહેજપણ મહત્વ અને આકર્ષણ ના રહે આ જ વૈરાગ્ય છે.કોઇના મૃત્યુના સમયે માણસ તેને ૫હોચાડવા સ્મશાનમાં જાય છે ત્યારે તેને એમ લાગે છે કે મરનાર ગયો તેમ હું ૫ણ એક દિવસ જવાનો છું.આ બધું ખોટું છે..આવી રીતે માણસને સ્મશાનમાં વૈરાગ્ય થાય છે પરંતુ સ્મશાનમાં હોય ત્યાં સુધી જ આ વૈરાગ્ય ટકે છે.જીવનમાં જ્ઞાનગર્ભ દ્રઢ વેરાગ્ય આવવો જોઇએ.જો શરીર સાથે સબંધ ચાલુ હોય તો સકળ સંસાર સાથે સબંધ ચાલુ રહે છે કેમ કે શરીર સંસારનું જ બીજ અથવા અંગ છે.શરીર સાથે તાદાત્મય ન રહેવું એને જ વૈરાગ્ય કહે છે.જ્યારે મનુષ્ય પોતે એવો અનુભવ કરી લે છે કે હું શરીર નથી, શરીર મારૂં નથી ત્યારે કામના-મમતા અને તાદાત્મય ત્રણેય દૂર થાય છે.આ જ વાસ્તવિક વૈરાગ્ય છે. જેના અંતઃકરણમાં તમામ વાસનાઓનો નાશ થઇ જાય છે.સહુંનું કલ્યાણ થાવ, સહું સુખી થાવ, સૌ નિરોગી થાવ, ક્યારેય કોઇને સહેજ પણ દુઃખ ન થાવ..આ ભાવનું રહેવું તેને જ દ્રઢ વૈરાગ્યનું લક્ષણ કહે છે.
પરમાત્મા માટે સંસારના સર્વ સુખોનો ત્યાગ એ જ સંન્યાસ છે.સર્વ કામ્ય-કર્મો અને સર્વ ઇચ્છાઓનો ત્યાગ તેને જ મહાત્માઓ સંન્યાસ કહે છે.
નાનું બાળક નિશ્ચિંત છે તેમ માણસે ચિંતા છોડી દેવી જોઇએ.જયાં સુધી ચિંતા છે ત્યાં સુધી વ્યથા રહેવાની જ ! ચિત્તા માણસને મરી ગયા ૫છી બાળે છે ૫ણ ચિંતા તો માણસને જીવતાં જ બાળે છે. ભૂતકાળની ચિંતા છોડી દો, ભવિષ્યકાળની લાલસા છોડી દો અને વર્તમાનને ૫કડો.ભગવાને વિસ્મૃતિ ના રાખી હોત તો ભૂતકાળમાં થયેલી ભૂલો, ભોગવેલા દુઃખો યાદ કરીને માણસ મરી જાત.આ ચિંતા દૂર કરવાનો ઉપાય છેઃખરાબમાં ખરાબ સ્વીંકારવાની તૈયારી રાખો,જેથી માનસિક શાંતિ મળશે.
જેમ પુત્રની ચિંતા તેના પિતાને થાય છે તેમ આપણી ચિંતા જગતના પિતા ૫રમેશ્વરને થાય ૫રંતુ પુત્રને શું આપવું? ક્યારે આપવું? કેટલું આપવું? તે માતાપિતા જાણતાં હોય છે તેમ પ્રભુ પણ આપણી લાયકાત પ્રમાણે વગર માગે આપતા જ હોય છે તેમજ પ્રભુ સર્વજ્ઞ છે, આપણને શાની જરૂર છે તે તેઓ બરાબર જાણે છે. ભગવાન આપણને આપણી જરૂરીયાત અને લાયકાત પ્રમાણે આપ્યા કરે છે, આપણે ધીરજ રાખવી જોઈએ અને પ્રભુ ઉ૫ર સંપૂર્ણ શ્રધ્ધા રાખવાની જરૂર છે.પ્રભુ જે કંઈ કરશે તે આપણા હિત માટે જ કરે છે.
અમે જો ભગવાનની ભક્તિ કરીએ છીએ તો ભગવાન ઉપર વિશ્વાસ પણ હોવો જોઇએ કે ભગવાન દરેક સમયે અમારી સાથે છે.ભગવાનને અમારી ચિંતા અમારા કરતાં વધુ હોય છે.ક્યારેક અમે ઘણા પરેશાન હોઇએ,કોઇ રસ્તો સૂઝતો ના હોય તો અમારે વિશ્વાસની સાથે પ્રભુ પરમાત્માને યાદ કરી નિરંતર પ્રભુ સુમિરણ કરીશું તો સમસ્યાનું સમાધાન મળશે.
ક્યારેક અમારા જીવનમાં અઘટિત ઘટના બને છે આવી પરિસ્થિતિમાં શું કરવું તે અમારી સમજમાં ના આવે ત્યારે દ્રષ્ટા બનીને શાંતભાવે તટસ્થ થઇને જુઓ.વિપરીત સમયમાં સમયની ધારા સાથે ચાલો, વિરૂદ્ધ દિશામાં ચાલવાનો પ્રયત્ન કરી પોતાની શક્તિને વ્યર્થ ના બગાડો.
અન્યની નજરમાં સારા દેખાડવામાં આખી ઉંમર વ્યતિત થાય છે અને સ્વાર્થના માટે લીધેલો એક ખોટો નિર્ણય અમોને લોકોની નજરમાંથી ઉતારી પાડે છે.વધુ પડતી મહત્વકાંક્ષા,દરેક સમયે કંઇને કંઇક પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ,ફક્ત અમારૂં જ સારૂં થાય તેવી વિચારસરણીથી અમોને અમારા વ્યક્તિત્વને સમાજમાં સન્માન નહી અપાવી શકે.જે કંઇ મળ્યું છે,જ્યારે પણ મળે અને જેટલું પણ મળે તેનાથી સંતુષ્ઠ રહેવાથી અમારા જીવનમાં આનંદ આવશે અને બીજાઓના પ્રત્યે દિલમાં સન્માનની ભાવના જાગૃત થશે. જીવન છે ત્યાં સુધી અનુકૂળતા-પ્રતિકૂળતા તો આવવાની છે જ પરંતુ ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેમછતાં જેની મનોસ્થિતિ એકરસ રહે છે તે મહાન અને પૂજનીય બને છે.જરૂરી નથી કે દરેક સમયે અમારી તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય,અમે જેની ઇચ્છા કરી હોય તે તમામ અમોને મળે પરંતુ ભાગ્ય અનુસાર જેટલું અને જે કંઇ અને જ્યારે મળે તેનાથી સંતુષ્ઠ રહેવાનું શિખીએ.
જરૂર પડે સબંધોના પુસ્તકમાંથી અમારી ભૂલોનું પાનું ફાડી નાખવું જોઇએ જેથી સબંધો મજબૂત બનેલા રહે.જેવી રીતે ભૂલ થવાથી આખી ડાયરીને ફેંકી દેતા નથી પરંતુ જે પાન ઉપર ભૂલથી ખોટું લખાઇ ગયું હોય છે તે ભૂલવાળું પાન જ ફાડી નાખીને સબંધોને બચાવી લેવા એ જ બુદ્ધિમાની છે.
અવિશ્વાસ એ દિવાલની કાચી ઇંટ જેવો છે જે અમારા સબંધોની દિવાલ તોડવાનું કારણ બને છે એટલે સબંધોની મજબૂતી માટે એકબીજા ઉપર પુર્ણ વિશ્વાસ રાખવો એ પ્રથમ આવશ્યકતા છે.વિશ્વાસની ઇંટ જેટલી મજબૂત હશે અમારા સબંધો પણ એટલા જ વધુ ટકાઉં બનશે.વિશ્વાસ જ સબંધોને પ્રેમપૂર્ણ બનાવે છે.અમારા દ્વારા દરેક વાતોનું મૂલ્યાંકન જ્યારે પોતાની દ્રષ્ટિથી કરવામાં આવશે તો અવિશ્વાસ ઉભો થશે એટલે સબંધોની મધુરતાના માટે પોતાના દ્રષ્ટિકોણની સાથે સાથે સામેવાળાની ભાવનાઓની કદર કરવાનો ગુણ આપણામાં હોવો જ જોઇએ.
કોઇપણની સાથે સબંધ જોડવો મહત્વપૂર્ણ નથી પરંતુ સબંધને નિભાવવો મહત્વપૂર્ણ છે.પૂર્વજન્મના કર્મોના સંયોગથી સબંધો જોડાય છે જેને નિભાવવોએ સાધના છે,બુદ્ધિમાની છે.
વિશ્વાસ-ભક્તિ અને સમર્પિતભાવએ ભક્તિનું ઘરેણું છે.ભક્તિમાં અગત્યની બાબત ચેતનતા છે.સંત જાણતા હોય છે કે જીવનમાં કંઇ વાતને અપનાવવાની છે અને કંઇ વાતને છોડવાની છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


