પાલેજ રેલવે સ્ટેશન પર ગુજરાત એકસપ્રેસ ટ્રેનનું અઢી વર્ષ બાદ પુનઃ સ્ટોપેજ મળતા સાંસદ મનસુખ વસાવાએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. જેથી મુસાફરોને રાહત થઈ હતી.
કોરોના કાળના અઢી વર્ષ સુધી વડોદરા-ભરૂચ વચ્ચે આવેલા પાલેજ રેલવે સ્ટેશન ખાતે ગુજરાત એકસપ્રેસ ટ્રેન સ્ટોપેજ બંધ કરવામાં આવ્યું હતું. જેને પગલે ભરૂચ અને વડોદરા ખાતે આવતા જતા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો હતો. આ અંગે પાલેજના આગેવાનોએ સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય અરૂણસિંહ રણા સહીત મંત્રાલયમાં રજૂઆત કરી હતી અને પુનઃ ગુજરાત એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવાની માંગ કરી હતી.
આ રજૂઆતને ધ્યાનમાં રાખી ગુજરાત એક્સપ્રેસ ફરી સ્ટોપેજ મળતા પાલેજ નગર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. આજરોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય અરૂણસિંહ રણા તેમજ ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત ચેરમેન ધર્મેશ મિસ્ત્રીએ ગુજરાત એકસપ્રેસ ટ્રેન પાલેજ રેલવે સ્ટેશન પર આવી પહોંચતા ફુલહાર કરી ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, દાદર-અજમેર ટ્રેન માટે પણ પ્રયાસો ચાલી રહ્યા છે ટુંક સમયમાં દાદર-અજમેર ટ્રેન પણ પાલેજ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ મળશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે શેડનો જે પ્રશ્ન છે તે પણ હલ કરવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે ભાજપાના જિલ્લા મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલેજ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, પાલેજ તાલુકા, જિલ્લા પંચાયતના સભ્યો સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


