જુનાગઢ ખાતે યોજાયેલ અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં દેશના અલગ અલગ રાજ્યોના ૫૪૫ સ્પર્ધકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. જેમાં ગર્લ્સ અને બોયઝમાં સિનિયર અને જુનિયર વિભાગની જુદી જુદી ચાર કેટેગરીમાં દસ ક્રમાંક સુધીના ૪૦ વિજેતા સ્પર્ધકોને મહાનુભાવોએ સ્ટેજ પરથી પ્રમાણપત્ર અને પુરસ્કાર આપીને સન્માનિત કર્યા હતા. વિજેતા આ ૪૦ પૈકી ચારેય વિભાગમાં પ્રથમ ક્રમે આવેલા વિજેતા ખેલાડીઓએ પોતાના અભિપ્રાયો જણાવ્યા હતા.
સતત પાંચ વર્ષથી વિજેતા સિનિયર બોયઝ કેટેગરીમાં પ્રથમ નંબરે આવેલા જૂનાગઢના પરમાર લાલાભાઇ ચીમનભાઈ ૫૬.૫૮ મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરીને વિજેતા બન્યા હતા. લાલાભાઇએ જણાવ્યું કે, મિત્રોની શુભેચ્છાઓથી જીતનો આનંદ વધે છે, હવે પછીની મારી ઈચ્છા મારો રેકોર્ડ તોડવાની છે. અહીં સ્પર્ધામાં આવતા અન્ય રાજ્યના સ્પર્ધકો સાથે મિત્રતા કેળવાય છે, જેથી ત્યાંની રમતો વિશે પણ જાણવા મળે છે. ભવિષ્યમાં હું રમત ક્ષેત્રે આગળ વધીને રાજ્ય અને દેશનું નામ રોશન કરવા ઇચ્છુ છુ.
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ઘર આંગણે અથાગ પ્રેક્ટિસ કરીને પોતાનો જ નવો રેકોર્ડ સ્થાપિત કરનાર સિનિયર ગર્લ્સ કેટેગરીમાં વિજેતા તામસીસિંગે ૩૧.૨૪ મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી છે. આ અગાઉ વર્ષ ૨૦૨૨ મા તામસીએ આ સ્પર્ધા ૩૨.૨૨ મિનિટમાં પૂર્ણ કરી હતી. કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ખેડૂત પુત્રી નિયમિત પ્રેક્ટિસ કરે છે. અને ભવિષ્યમાં ખેલકૂદમાં જ આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઉત્તર પ્રદેશના કાશી જિલ્લાથી ગિરનારની ગોદમાં યોજાયેલ સ્પર્ધામાં આવેલી રંજના યાદવે જુનિયર ગર્લ્સ વિભાગમાં ૩૮.૫૨ મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરીને પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આ તકે રંજના બહેને હર્ષ વ્યક્ત કર્યું કે, મારાથી વિશેષ મારા માતા-પિતા આજે ખુશ થઈ રહ્યા છે તે જોઈને હું ગદગદી ઉઠી છું. કોઈપણ સ્પર્ધા જીતવા માટે ઊર્જાની સાથે સાથે હિંમત પણ ખૂબ જ જરૂરી હોય છે.
જુનિયર બોયઝ કેટેગરીમાં ૧.૦૩૧ કલાકમાં દોડ પૂર્ણ કરીને પ્રથમ ક્રમાંકે આવેલા હરિયાણાના સાગરે કહ્યું કે, સ્પર્ધા જીતનારનો ઉત્સાહ વધે છે. દરેક સ્પર્ધકને કંઈક શીખવા મળતું હોય છે જેથી તે ભવિષ્યમાં વધુ સારી પ્રગતિ કરી શકે. ગુજરાત આવવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. જૂનાગઢના આ પહાડોમા હરિયાણાની તાજી હવા મહેસૂસ થાય છે. આ પ્રકારની સ્પર્ધાનું આયોજન થવાથી અલગ અલગ રાજ્યના સ્પર્ધકો આપસમાં મળે છે અને આમ એક ભારત શ્રેષ્ઠ ભારતના સંદેશને ખરા અર્થમાં સાર્થક કરી શકાય છે.
