જામનગર જિલ્લામાં જામનગર મહાનગર પાલિકાની કમિશનર કચેરી, વિભાગીય અધિકારીશ્રીની
કચેરી અને અન્ય શાખાઓ આવેલ છે. જ્યાં લોકો દ્વારા તેમના પ્રશ્નો બાબતે આંદોલન, ઉપવાસ તથા ધરણા પર બેસવામાં
આવે છે. જેથી ખુબ જ મોટા સ્વરૂપે લોકોના ટોળા, રેલી અથવા સરધસ દ્વારા જામનગર મહાનગર પાલિકાની કચેરીના
પરિસરમાં મોટા અવાજે સુત્રોચ્ચાર કરવામાં આવે છે જેના કારણે તથા ઉકત કચેરીઓની કામગીરી ખોરવાય છે તેમજ કામગીરી
સબબ આવતા નાગરીકોને અગવડતા થાય છે. જેથી જામનગર મહાનગર પાલિકાની કચેરીઓની કામગીરીમાં વિક્ષેપ ઉભા ન
થાય, નાગરીકોને અગવડતા ન થાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જામનગર મહાનગર પાલિકાની
તમામ કચેરીઓ/શાખાના પરિસરમાં ઉપવાસ, આંદોલન તથા ધરણા કરવા પર નિયંત્રણો ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા
મેજિસ્ટ્રેટશ્રી બી. એન. ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ મહાનગર પાલિકાની તમામ કચેરીઓ/શાખાના પરિસરના ૧૦૦ મીટરના વિસ્તારમાં આંદોલન, ઉપવાસ,
ધરણા પર બેસવા કે આવી કોઈ પ્રવૃતિ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ
ભારતિય દંડ સંહિતા–૧૮૬૦ (૪૫ માં અધિનિયમ) ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું
તા.૧૧/૯/૨૦૨૩ સુધીના સમયગાળા માટે અમલમાં રહેશે.
