પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સુશાસનમાં દેશ આર્ત્મનિભર બન્યો છે અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા જઈ રહ્યો છેઃ ધારાસભ્યશ્રી જે. એસ. પટેલ
ગાંધીનગર,
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકાર પોતે લોકોના દ્વારે પહોંચીને વિવિધ યોજનાકીય લાભો પૂરા પાડી વિકાસની કેડીને કંડારી રહી છે ત્યારે આજે ગાંધીનગરના માણસા તાલુકામાં આ યાત્રા માણેકપુર ગામ ખાતે આવી પહોંચી હતી. જેનું માણેકપુર ગામના ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે માણસાના ધારાસભ્યશ્રી જે. એસ. પટેલે પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સુશાસનમાં દેશ આર્ત્મનિભર બન્યો છે અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા જઈ રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વિશ્વ આખાયે ભારત તરફ મીટ માંડી છે. ‘વાઈબ્રન્ટ ગુજરાત’ કાર્યક્રમ આ વાતનું સાક્ષી બનશે. વાઈબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ થકી વિશ્વભરની કંપનીઓ દેશમાં આવી છે અને વિવિધ ક્ષેત્રમાં ઉદ્યોગ સ્થાપી દેશના અર્થતંત્રને વેગ આપ્યો છે.
આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા ખેતીમાં રાસાયણિક ખાતરોના બેફામ વપરાશ ઘટાડવા માટે અને ધરતીને પ્રદુષણ મુક્ત બનાવવાની નેમ સાથે જનજાગૃતિ માટે ‘વસુધૈવ કુટુંબકમ’ નાટક રજૂ કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિધવા સહાય યોજના, આયુષ્યમાન કાર્ડ, સહિતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કરાયા હતા.
‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થી નવલજી ઠાકોરે પોતાના પ્રતિભાવ જણાવ્યા હતા. તેમણે આ યોજનામાં મળતા વાર્ષિક ૬ હજાર રૂપિયાનો સમયસર લાભ લેવા આધાર લિન્ક અને કેવાયસી કરાવવા માટે અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત ગામના ખેડૂત શેતાનસિંહ ચાવડાએ પ્રાકૃતિક ખેતીની માહિતી આપી હતી અને ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા અપીલ કરી હતી. માણેકપુર ગામના સખીમંડળના સભ્યશ્રી જનકબા ચાવડાએ સખીમંડળ દ્વારા નાણા બચત સહિતના લાભો વિશે જણાવ્યું હતું. કાર્યક્રમમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ચાલતા સખી વન સ્ટોપ સેન્ટરના પ્રતિનિધિ ચેતનાબેન નાયીએ મહિલા ઉત્પીડન અને ઘરેલું હિંસાનો ભોગ બનતી મહિલાઓને સેન્ટર દ્વારા અપાતા લાભોની વાત કરી હતી.
આ કાર્યક્રમમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ઓન ધ સ્પોટ ક્વિઝના વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે માણેકપુર ગ્રામપંચાયતને ‘હર ઘર જલ’ માટે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ૨૦૪૭ સુધીમાં આર્ત્મનિભર અને વિકસિત ભારત બનાવવા માટે પોતાનું યોગદાન આપવા માટે શપથ લીધા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ કલ્યાણકારી યોજનાઓના સ્ટોલનું નિદર્શન કર્યું હતું.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આ કાર્યક્રમમાં માણસા તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રિયંકાબેન પટેલ, માણસા એપીએમસીના ચેરમેનશ્રી માધુભાઈ પટેલ, ભાજપ પ્રદેશ મહામંત્રીશ્રી દિનેશભાઈ પટેલ, ભાજપ તાલુકા સંગઠન પ્રમુખશ્રી લક્ષ્મણસિંહ રાઠોડ, આનંદીબાનો વડલો સંસ્થાના અગ્રણીશ્રી દિનેશભાઈ વ્યાસ, સરપંચશ્રી ભરતકુમાર મહેરિયા, ઉપસરપંચશ્રી વિષ્ણુબા ચાવડા, બળિયાનગર ગામના સરપંચશ્રી ડાહ્યાભાઈ ચૌધરી, તલાટી મંત્રીશ્રી, શિક્ષકો, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

