Gujarat

ભાટીયા ગ્રામ પંચાયત દ્વારા ઐતિહાસિક તળાવને પુર્નજીવત કરવા ગંદકીની સફાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા ગામની શાન સમા ઐતિહાસિક કેશરીયા તળાવનુ ચાલુ વર્ષે ગ્રામ પંચાયત દ્વારા સમયસર સફાઇ અભિયાન હાથ ધરાયુ છે.તળાવમાં પ્રદુષણ કરનારા તત્વો સામે ગ્રામ પંચાયતે કડક વલણ અપનાવતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે. ભાટિયા ગામની શાન ગણાતા ઐતિહાસિક કેશરીયા તળાવમાં છેલ્લા કેટલાક વર્ષોથી કાંપ અને કાદવ-કચરો વગેરે મોટા પ્રમાણમાં જમા થતા તળાવની ઉંડાઇ ઓછી થવા પામી હતી.એટલુ જ નહી, ગંદકીનો જમાવડો થવાથી આજુબાજુમાં તિવ્ર દુર્ગંધ પણ ફેલાતી હતી.સાથોસાથ સ્થાનિક લોકોનુ આરોગ્ય જોખમાતુ હતુ.

લગભગ દર વર્ષે તળાવનું માટીકામ કરવામાં વિલંબ થતો હતો, પરંતુ આ વર્ષે પંચાયતે સમય રહેતા જ કામગીરી શરૂ કરવાનો મક્કમ નિર્ણય કર્યો. જેમાં સરપંચ પ્રતિનિધિ આલાભાઈ માતંગ દ્વારા આ બાબતે તંત્રને વિધિવત રજૂઆત કરવામાં આવી હતી.

હાલ તળાવમાંથી કીચડ કાઢીને તેને અન્ય જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવી રહ્યુ છે, જેથી તળાવને વધુ ઊંડું અને સ્વચ્છ બનાવી શકાય. બીજી બાજુ સફાઈ અભિયાન દરમિયાન સામે આવ્યું કે, કેટલાક સ્થાનિક ધંધાકિય એકમોની કોમર્શિયલ ગટરોના પાણી સીધા તળાવમાં છોડવામાં આવતા હતા. ઉપરાંત, ભાટિયા ગામના પશુઓ માટેના એકમાત્ર પીવાના પાણીના સ્ત્રોત (પિયાવો)ને પણ કેટલાક ઈસમો દ્વારા ગંદો કરવામાં આવતો હતો.આ ગંભીર બેદરકારી સામે ગ્રામપંચાયતે લાલ આંખ કરી તાત્કાલિક ધોરણે ચાર જેટલા કોમર્શિયલ ગટર કનેક્શનો કાપી નાખ્યા છે.