Gujarat

જામનગરના નવા મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો નિર્ણય

જામનગર મહાનગરપાલિકાના નવા મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓએ ઇંધણ બચત માટે મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે સરકારી વાહનનો મર્યાદિત અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો સંકલ્પ કર્યો છે. આ નિર્ણય વડાપ્રધાનની ઇંધણ બચત અંગેની અપીલને ધ્યાનમાં રાખીને લેવાયો છે. નવા મેયર મોનિકાબેન વ્યાસ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણીએ જણાવ્યું હતું કે તેઓ સરકારી વાહનનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરશે અને માત્ર જરૂરિયાત પૂરતો જ તેનો ઉપયોગ કરશે.

ચેરમેન ધીરેન મોનાણીએ વધુમાં જણાવ્યું કે તેઓ પોતાના નિવાસસ્થાનેથી પાલિકા કચેરી સુધી આવવા-જવા માટે પોતાના સ્કૂટરનો ઉપયોગ કરશે. તેમણે શહેરના નાગરિકોને પણ ઇંધણ બચાવવા અને વાહનોનો ઉપયોગ માત્ર જરૂરિયાત પૂરતો જ કરવા અપીલ કરી હતી.

મેયર મોનિકાબેન વ્યાસ અને ચેરમેન ધીરેન મોનાણીનો આ નિર્ણય પર્યાવરણ સુરક્ષા અને ઇંધણ બચત માટે પ્રેરણાદાયી પગલું છે. આનાથી સરકારી વાહનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી જનતા સમક્ષ એક સકારાત્મક સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે.