નવસારી
ત્રણ દિવસના અંતરાલમાં ૨ ચોરી અને ૧ ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવતાં પોલીસે હવે આ મામલે ગંભીર તપાસ કરવી રહી. પરંતુ આ સમગ્ર ઘટનામાં પોલીસની આબરુ અને શાખ પણ દાવ પર લાગી ગઇ હોય તેમ શહેરમાંથી ચર્ચાઓનો દોર શરૂ થયો છે. આ સમગ્ર ઘટનામાં એક જ ગેંગ સક્રિય બનીને શહેરમાં લૂંટ અને ચેઈન સ્નેચિંગને અંજામ આપતી હોવાની પણ સંભાવના વધી છે. તેને લઈને પોલીસ ટેકનીકલ સર્વેલન્સ અને સૂત્રો એક્ટિવ કરી ચોરીની ઘટનાનું વહેલું ડિટેક્શન લાવે તેવી માંગ પ્રબળ બની છે.નવસારી શહેરમાં ચોર અને લૂંટારૂઓને ફાવટ આવી ગઇ હોય તેમ ઠંડીની સિઝનની શરૂઆત થતાં જ સળંગ ત્રીજા દિવસે ચોરીની ઘટના સામે આવી છે. પહેલા દિવસે ગોવિંદ નગરમાં એન.આર.આઇ.ના બંધ મકાનમાં તાળા તૂટવાના, બીજા દિવસે ચેનની લૂંટ ચલાવ્યા બાદ ત્રીજા દિવસે જ્વેલર્સની દુકાનનાં તાળાં તૂટતાં પોલીસની કામગીરી પર સતત શહેરીજનો દ્વારા પ્રશ્નાર્થ ઊભો કરવામાં આવી રહ્યો છે. છાપરા રોડ વિસ્તારમાં આવેલી શ્રેમંકરી જ્વેલર્સની દુકાનનાં તાળાં તૂટ્યા હતાં. જેમાં મોડી રાત્રે તસ્કરોએ તાળું તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો પરંતુ સદ્નસીબે દુકાનમાં રોકડ રકમ અને ઘરેણાં ન હોવાના કારણે ચોરીનો પ્રયાસ નિષ્ફળ થયો હતો. જાે જ્વેલર્સ સંચાલકો દ્વારા દુકાનમાં જ્વેલરી અને રોકડ રખાઈ હોત તો કદાચ તેમને મોટો આર્થિક ફટકો પડયો હોત. પણ આ સમગ્ર ઘટનામાં સદ્નસીબે દુકાનમાં ચોરોને કાંઈ હાથ ન લાગતાં વિલા મોઢે પરત ફર્યા છે. પરંતુ આ સમગ્ર ઘટના આ અંગે વેપારીઓમાં ચિંતા ફેલાઇ છે અને શહેરીજનો કોના ભરોસે દુકાન બંધ કરીને ઘરે જાય તેવી ચિંતા તેમને કોરી ખાઈ રહી છે. કબીલપોરમાં આવેલી હરી પાર્ક સોસાયટીમાં ઘરની બહાર બેઠેલા વૃદ્ધા પાસે ગઠિયાઓએ સરનામું પૂછવાના બહાને રોકાઈને વૃદ્ધાના ગળામાંથી ચેઈન આંતકી લીધી હતી. સીસીટીવીમાં બાઇક ચાલક પોતાની બાઈકને થોડી આગળ મૂકીને ઊભો દેખાય છે, જેમાં પાછળ બેઠેલો ઈસમ વૃદ્ધાને કંઈક પૂછતો દેખાય છે. જેમાં ઘરમાંથી અન્ય એક મહિલા પણ આવે છે અને ગઠિયાના પ્રશ્નનો જવાબ આપે છે. ત્યારે થોડી જ સેકન્ડોમાં પ્રશ્ન પૂછતો ગઠિયો લાગ જાેઈને વૃદ્ધાના ગળામાં હાથ મારીને પહેરેલી ચેન આંચકીને જતો રહે છે. જાે કે આ સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ છે. નવસારીના ગોવિંદ નગર-૩ વિસ્તારમાં ૫૨ નંબરના ઊર્મિ નામના દ્ગઇૈંના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. કૃતિકા હિતેશ પટેલ નામની મહિલાની માલિકીનો આ બંગલો છેલ્લા ઘણા સમયથી બંધ રહેતો હતો. ત્યારે સવારે તસ્કરોએ મુખ્ય દરવાજાનું લોક તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટ અને ચોર ખાનામાં મુકેલા રોકડા રૂપિયા અને ૫ તોલા સોનું, ૨ કિલો ચાંદીની ચોરી કરી ગયા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ગ્રામ્ય પોલીસ મથકની ટીમ તપાસ માટે પહોંચી હતી. જે કેસમાં હજુ સુધી તપાસ શરૂ છે પણ પોલીસના હાથે કંઈ લાગ્યું નથી.


