વિક્રમ સાખટ રાજુલા
પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં શેત્રુંજય પર્વત પર અસંખ્ય દેરાસર સાથે અનેક હિન્દુ દેવ દેવીનાં મંદિર આવેલ છે. આ હિંદુ મંદિરોમાં વૈદિક રીતિ રીવાજ પરંપરા પ્રમાણે પૂજા- અર્ચના -ઉપાસના -સાધના કરવાનાં હિંદુઓનાં બંધારણીય અધિકારમાં યેનકેન પ્રકારે જુદાં જુદાં અવરોધો ઊભાં કરવામાં આવી રહ્યાં છે. આ અન્યાય સામે વર્ષોથી સાશન પ્રસાશનમાં વારંવાર રજુઆત કરી છે એ ઉપરાંત શેઠ આ. ક.પેઢીનાં સંચાલકો સાથે પણ વ્યાપક ચર્ચા સંવાદ કર્યો પરંતુ પરિણામ મળેલ નથી. ઉલટો અન્યાય વધ્યો છે. આવાં સંજોગોમાં ભારતીય બંધારણે આપેલાં નાગરિક અધિકાર મુજબ અન્યાય સામે અહિંસક વિરોધ કરવાં હિંદુ સમાજ મજબૂર બન્યો છે. તા.3.9.2022 શનિવાર થી સ્વામી શરણાનંદજી હિંદુ સમાજને ન્યાય ન મળે ત્યાં સુધી અન્ન ત્યાગી ભૈરવનાથ ચોક, પાલિતાણા ખાતે આંદોલન કરશે. આ ઉપવાસ આંદોલનમાં અનેક સાધુ સંતો શિવભક્તો જોડાનાર છે. શ્રીનીલકંઠ મહાદેવ મંદિર રક્ષા સમિતી દ્વારા યોજાનાર ઉપવાસ આંદોલનની મુખ્ય ચાર માંગણી છે. 1). શેત્રુંજય પર્વત પર રાત્રી રોકાણ ઉપર પ્રતિબંધ ફરમાવતાં જિલ્લા કલેકટરશ્રીનાં જાહેરનામાં નો ચુસ્ત અમલ થાય. સૌ પંથનાં લોકો પર એ આદેશ સમાનરૂપે લાગું થાય. 2). શ્રીનીલકંઠ મહાદેવ મંદિર ટ્રષ્ટમાં તાત્કાલિક ટ્રષ્ટિ મેનેજર અને પૂજારી ની નિમણુંક થાય. 3). શ્રાવણીયા સોમવારે શ્રીનીલકંઠ મહાદેવ મંદિર પરિસરમાં શિવભક્તો દ્વારા લગાવેલ ધર્મ ધજા હટાવવાનો આદેશ આપી ઉતરાવી લેનાર આ.ક.પેઢીનાં જવાબદાર ટ્રષ્ટિઓ સામે હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાનો કેસ દાખલ કરવામાં આવે. 4). શ્રીપ્રગટેશ્વર મહાદેવ મંદિર સહિત હિંદુ દેવ દેવીઓનાં મંદિરમાં આ.ક.પેઢીની દખલગીરી બંધ કરાવવામાં આવે. જો આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનનો વ્યાપ અને તીવ્રતા વધશે જેની જવાબદારી સાશન પ્રસાશનની રહેશે.

